વિશ્વાસને વિદ્યમાનથી, નરને નારાયણથી, લોકોને આસ્થાથી, વર્તમાનને અતિતથી અને સ્વને સંસ્કારથી જોડવાનો મહોત્સવ : PM

વિશ્વાસને વિદ્યમાનથી, નરને નારાયણથી, લોકોને આસ્થાથી, વર્તમાનને અતિતથી અને સ્વને સંસ્કારથી જોડવાનો મહોત્સવ : PM

જીવનનું એક પણ પાસુ એવું નથી કે જેમાં રામ પ્રેરણા ના આપતાં હોય-ભારતની આસ્થા અને આદર્શોમાં રામ વસેલા છે તો ભારતની દિવ્યતા અને દર્શનમાં પણ રામ છે : PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિનું ભૂમિપૂજન કર્યું હતું. ભૂમિપૂજન સંપન્ન કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું, કે ભારત આજે ભગવાન ભાસ્કરના સાનિધ્યમાં સરયુના કિનારે એક સ્વર્ણિમ ઈતિહાસ રચવા જઈ રહ્યુ છે. આજે આખુ ભારત રામમય બન્યુ છે. સદીઓની ઈન્તેજારી આજે સમાપ્ત થઈ છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે વર્ષોથી ટેન્ટમાં રહેલા રામલલ્લા માટે હવે એક ભવ્ય મંદિરનું નિર્માણ થશે. તૂટવું અને ફરી ઉભા થવાના સદીઓથી ચાલી રહેલા આ ક્રમમાંથી આજે રામજન્મભૂમિ મુક્ત થઈ છે.પ્રધાનમંત્રી એ જણાવ્યું કે. રામમંદિર માટે ચાલેલા આંદોલનમાં અર્પણ પણ હતુ અને તર્પણ પણ હતુ. સંઘર્ષ પણ હતો અને સંકલ્પ પણ હતો. જેઓના ત્યાગ અને બલિદાનના કારણે આ સપનું સાકાર થયુ છે, તે તમામ લોકોને પ્રધાનમંત્રીએ 130 કરોડ દેશવાસીઓ તરફથી નમન કર્યા હતા.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે રામ એક અદ્દભૂત વ્યકિતત્વ ધરાવતા હતા. તેમની વિરતા, નિર્ભિકતા, સત્યનિષ્ઠા, ધૈર્ય, દ્રઢતા, તેમની દાર્શનિક દ્રષ્ટિ યુગો યુગો સુધી લોકોને પ્રેરિત કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે શ્રી રામનું મંદિર ભારતીય સંસ્કૃતિનું આધુનિક પ્રતિક બનશે. અયોધ્યા મંદિરના નિર્માણથી આ ક્ષેત્રે નવા અવસર ઉભા થશે. રામ મંદિરની આ પ્રક્રિયા રાષ્ટ્રને જોડવાનો ઉપક્રમ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આજની આ ઐતિહાસિક પળને લોકો યુગો સુધી યાદ રાખશે.

ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજના ઐતિહાસિક દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, 500 વર્ષો સુધી આ મંદિર માટે સંઘર્ષ ચાલ્યો. ભારતે દુનિયાની તમામ તાકાતોને તે અહેસાસ કરાવી દીધો છે કે, લોકશાહીના મુલ્યો, આદર્શોનું પાલન કરતાં કેવી રીતે સંવૈધાનિક અને શાંતુપૂર્ણ રીતે દરેક વાતનું સમાધાન થઈ શકે છે.આ પ્રસંગે સરસંઘચાલક મોહન ભાગવતે જણાવ્યું હતું કે, 30 મા વર્ષમાં સંકલ્પ શક્તિનો સંપૂર્ણ આનંદ મળી રહ્યો છે. આજે આખા દેશમાં આનંદની લહેર છે.