આજે અમદાવાદ શહેરનો 610મો જન્મ દિવસ, જાણો શહેરનો ઈતિહાસ અને કેવી રીતે પડયું "અમદાવાદ" નામ

આજે અમદાવાદ શહેરનો 610મો જન્મ દિવસ, જાણો શહેરનો ઈતિહાસ અને કેવી રીતે પડયું "અમદાવાદ" નામ

આજે શહેરનો 610મો સ્થાપના દિન છે. ત્યારે આપણે જાણીએ શહેરની કેટલીક જાણી અજાણી વાતો. 26 ફેબ્રુઆરી 1411નો દિવસ એટલે અમદાવાદ શહેરનો સ્થાપના દિવસ. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જ્યારે તેનું સૌથી મોટું શહેર અમદાવાદ છે. અમદાવાદ ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન શહેર છે. અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટું અને ભારતનું સાતમા ક્રમનું મોટુ શહેર ગણાય છે..

સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર 1960થી 1970 સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે. કાપડ ઉદ્યોગ માટેના માનચેસ્ટરના બિરૂદથી લઈ અમદાવાદ આજે સ્માર્ટ સિટી અને વર્લ્ડ હેરીટેજ શહેરના દરજ્જા સુધી પહોંચ્યુ છે.અમદાવાદ એટલે લાલ બસનું શહેર.આ લાલ બસ એટલે કે એ.એમ.ટી.એસ.બસ સેવાને 73 વર્ષ થયા.વી.એસ.હોસ્પિટલ સ્થાપનાના 90 વર્ષ પુરા કરી ચુકી છે. આ બંને સેવા ભવ્ય ભૂતકાળ બનવા તરફ અગ્રેસર થઈ રહી છે.

સુલતાન અહેમદ શાહ બાદશાહે 26 ફેબ્રુઆરી 1411ના દિવસે અમદાવાદ શહેરની સ્થાપના કરી હતી. આજે શહેરનો 610મો જન્મદિન છે. શહેરને ભારતનું પ્રથમ હેરિટેજ સીટી હોવાનું સન્માન પ્રાપ્ત છે. છેલ્લા બે દાયકામાં શહેરની ભૂગોળનું વિસ્તરણ થયું છે. શહેરનો વિસ્તાર બમણો થઇ ગયો છે.

ગુજરાતના બે પનોતા પુત્રો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની અમદાવાદ કર્મભૂમિ રહ્યું છે. સરદાર પટેલે ધીકતો વકીલાતનો વ્યવસાય છોડીને તા.૫મી જાન્યુઆરી ૧૯૧૭થી જાહેર જીવનમાં પ્રવેશ કર્યો હતો તેઓ દરિયાપુર વોર્ડમાંથી ચૂંટાયા હતા. સરદાર  પટેલ તા. ૯ ફેબ્રુઆરી ૧૯૨૪થી ૧૩ એપ્રિલ ૧૯૨૮ સુધી અમદાવાદ મ્યુનિસિપાલીટીના પ્રમુખ રહ્યા હતા તે વેળાએ કોટ વિસ્તારમાં શહેર ધબકતું હતુ પણ શહેરને કોટ વિસ્તાર બહાર વિકાસનું કામ સરદારે કર્યું હતું. તેમણે એલિસબ્રિજ અને મણિનગરનું ટાઉન પ્લાનિંગ કર્યું હતું તે માટે તેમણે કોટ વિસ્તારને ફરતે આવેલી દિવાલને તોડાવી હતી. તેનો સોનેરી ઇતિહાસ છે. બીજી તરફ મહાત્મા ગાંધીએ પણ આઝાદી લડાઇમાં અમદાવાદને કર્મભૂમિ બનાવી હતી. પહેલા તેમણે તા. ૨૦મી મે ૧૯૧૫ના રોજ કોચરબ ખાતે સત્યાગ્રહ આશ્રમ કર્યો હતો. તા.૧૭મી જુન ૧૯૧૭ના રોજ વાડજની સીમમાં સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી.

1950ના વર્ષમાં અમદાવાદ શહેરને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો. 69 વર્ષની આ સફરમાં મહાનગરપાલિકાનુ વાર્ષિક બજેટ પણ રૂપિયા નવ હજાર કરોડના આંકને આંબી ગયુ છે. લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પણ અમદાવાદ શહેરના દરીયાપુર વિસ્તારમાંથી ચૂંટાઈને આવ્યા હતા. અમદાવાદના લોકોને સારી સારવાર મળે એવી હોસ્પિટલની જરૂર હોવાનો વિચાર આવતા દાતાઓના દાનની મદદથી 90 વર્ષ અગાઉ અમદાવાદ શહેરની શેઠ વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલ શરૂ કરાવાઈ હતી. શાસકોના અવિચારી નિર્ણયના પગલે આ હોસ્પિટલ પોતે ડાયાલીસીસ પર છે. વર્ષ-1947માં એએમટીએસ બસ શરૂ કરાઈ હતી.મોટાભાગની આ સેવા પણ ખાનગી ઓપરેટરોના હાથમાં ચાલી ગઈ છે. અમદાવાદ શહેરને વૈશ્વિક સ્તરે હેરીટેજ શહેરનો દરજ્જો મળે એ માટેના પ્રયાસ વર્ષ-1996-97માં તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર કેશવ વર્માએ કરી મ્યુનિ.માં હેરીટેજ વિભાગ શરૂ કરાવ્યો હતો. મ્યુનિ.દ્વારા વર્ષ-2001માં અમદાવાદમાં આવેલા હેરીટેજ વેલ્યુ ધરાવતા રહેઠાણોનો સર્વે કરાતા વીસ હજાર રહેણાંક ઈમારતો હેરીટેજ મુલ્યો ધરાવતી હતી.

વર્ષ-2014માં મ્યુનિ.દ્વારા અમદાવાદમાં આવેલી હેરીટેજ વેલ્યુ ધરાવતી ઈમારતોને લઈ એક સત્તાવાર નોટીફીકેશન બહાર પડાયુ. આ નોટીફીકેશનમાં 2236 રહેણાંકની તેમજ 445 ઈન્સ્ટીટયુશનલ ઈમારતોનો સમાવેશ કરાયો છે.અમદાવાદને વર્ષ-2017ના જૂલાઈમાં વર્લ્ડ હેરીટેજ શહેરનો દરજ્જો અપાયો હોવાની યુનેસ્કોની મળેલી બેઠકમાં જાહેરાત થઈ હતી.ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવતા અમદાવાદ શહેરનો 610મો સ્થાપના દિવસ છે.

વર્ષ-1885માં શહેરને પ્રથમ અંડરગ્રાઉન્ડ પાણી-ડ્રેનેજની સુવિધા

અંગ્રેજ સરકારે જેમને રાવ બહાદુરનો ખિતાબ આપ્યો હતો એવા રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ વર્ષ-1885માં અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ બન્યા.વર્ષ-1861માં અમદાવાદમાં તેમણે પ્રથમ કાપડની મિલ શરૂ કરી હતી.અમદાવાદ શહેરને પ્રથમ અંડરગ્રાઉડ પાણી અને ડ્રેનેજની સુવિધા આપવાનો યશ એમને જાય છે.બ્રિટીશ શાસન હોવાછતાં તેમણે અમદાવાદમાં ઘેર-ઘેર નળ મારફત પાણી મળે અને ગટરની સુવિધા મળે એ માટે કામગીરી શરૂ કરાવી હતી.

આ રીતે પડયું કર્ણાવતી અને અમદાવાદ નામ

અમદાવાદની આસપાસનો વિસ્તાર 11મી સદીથી વસવાટ ધરાવે છે. આ વિસ્તાર આશાવલ કે આશાવલ્લીના નામે ઓળખાતો હતો. ત્યારબાદ સોલંકી રાજા કરણદેવે આશાવલના રાજા સામે યુદ્ધ જાહેર કર્યું અને તેનું નામ  કર્ણાવતી રાખ્યું. ગુજરાત સલ્તનત બની અને સાથે જ સુલતાન અહમદશાહે અહમદાવાદ નામ રાખ્યું અને પછી તે અપભ્રંશ થઈને અમદાવાદના નામે જાણીતું બન્યું.